પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા કર્મ ના સિધ્ધાંતો (Karma Philosophy)

શત્રુંજય તીર્થ ની છ ગાઉ જાત્રા

અેકેકુ ડગલું ભરે, શત્રુંજય સમો જેહ

ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ.

શ્રી સુધર્માસ્વામીએ રચેલા ‘મહાકલ્પ’માં આ ર્તીથનાં શત્રુંજયગિરિ, સિદ્ધાચલ, વિમલાચલ, પુંડરીકગિરિ, શતકૂટ, મુક્તિનિલય, ઢંકગિરિ, ભગીરથ, મોહિતગિરિ જેવાં ૧૦૮ નામોનો ઉલ્લેખ મળે છે. શ્રી ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય’ નામના ગ્રંથમાં આ ર્તીથનો મહિમા દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે અન્ય તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, પૂજન વગેરે કરવાથી જે ફળ મળે છે એનાથી અનેકગણું ફળ માત્ર શ્રી શત્રુંજય ર્તીથની કથા સાંભળવાથી મળે છે. અયમુત્તા કેવલી ભગવંતે નારદ ઋષિને આ ર્તીથનું માહાત્મ્ય વર્ણવતાં કહ્યું છે કે અન્ય ર્તીથમાં ઉગ્ર તપર્યા અને બ્રહ્મચર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ આ ર્તીથમાં માત્ર વસવાથી જ મળે છે. વળી એક કરોડ મનુષ્યને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એ આ ર્તીથમાં માત્ર એક ઉપવાસ કરવાથી મળે છે. આ ર્તીથની ચોવિહારો છઠ્ઠ કરીને જે વ્યક્તિ સાત યાત્રા કરે છે એ ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. અષ્ટાપદ, સમ્મેતશિખર, ગિરનાર, પાવાપુરી, ચંપાપુરી વગેરે તીર્થોનાં દર્શન-વંદન કરતાં શતગણું ફળ આ ર્તીથની યાત્રા કરતાં મળે છે.

શત્રુંજય ગિરિરાજની છ ગાઉ પ્રદક્ષિણા યાત્રા સર્વપ્રથમ શત્રુંજય ગિરિરાજની તળેટીએ દર્શન-ચૈત્યવંદન કરીને આગળ વધે છે. શત્રુંજય ગિરિરાજ પર પહોંચીને શાંતિનાથ ભગવાનના જિનાલયે, રાયણ પગલાંએ, પુંડરીકસ્વામીના દેરાસરે અને ર્તીથાધિપતિ શ્રી આદિનાથ ભગવાનના જિનાલયે એમ પાંચ ચૈત્યવંદન કરી ર્તીથપતિ શ્રી આદીશ્વરદાદાને ભાવપૂર્વક ભેટી રામપોળથી બહાર નીકળી જમણી તરફના રસ્તેથી છ ગાઉ પ્રદક્ષિણાયાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાંથી થોડા આગળ વધતાં જમણી બાજુ ઊંચી દેરીમાં દેવકીજીના છ પુત્રોની પ્રતિમાનાં દર્શન થાય છે. આ છ પ્રતિમાઓની કથા એમ છે કે વાસુદેવની પત્ની દેવકીએ કૃષ્ણજીની પહેલાં ક્રમશ: છ પુત્રોને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મની સાથે જ હરિણૈગમેષી દેવે તેમને નાગદત્તની પત્ની સુકેષા પાસે મૂકી દીધા હતા. ત્યાં તેઓ મોટા થઈ શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સાધના કરવા લાગ્યા. ત્યાર પછી આ છએ મુનિઓ કેવળજ્ઞાનને પામ્યા અને આ શત્રુંજયગિરિ પર મોક્ષે ગયા. અહીં આ છ પ્રતિમાને ‘નમો સિદ્ધાણં’ કહીને સૌ ભાવપૂર્વક દર્શન કરી આગળ વધે છે.

અહીં હવે ઊંચો-નીચો રસ્તો શરૂ થાય છે. આ માર્ગે આગળ વધતાં ‘ઉલ્કા જલ’ નામનું પોલાણ-ખાડો આવે છે. દાદા આદિનાથ પ્રભુનું ન્હવણ (પક્ષાલ) જમીનમાં થઈ અહીં આવે છે એમ માનવામાં આવે છે. અહીં ડાબી બાજુ એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો વિધિ સહિત ચૈત્યવંદન કરે છે. શત્રુંજય ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણાનો ચાર કલાકનો આ રસ્તો ઘણો આકરો અને કષ્ટદાયી છે. એમ છતાં આ પવિત્ર દિવસનો મહિમા સમજી લાખો યાત્રિકો ખૂબ જ આનંદોલ્લાસથી આ પ્રદક્ષિણાયાત્રા કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. આવી મહાન યાત્રાનો અવસર મહાપુણ્યયોગે મળ્યો છે એમ સમજીને લોકો પોતાનો બધો થાક અને કષ્ટ ભૂલીને દાદા આદીશ્વર ભગવાનની જય બોલાવતા ઉત્સાહથી આગળ વધે છે. ત્યાંથી આગળ વધતાં શ્રી અજિતનાથ પ્રભુની અને શ્રી શાંતિનાથ પ્રભુની બે દેરીઓ આવે છે. એમાં આ બન્ને ભગવાનનાં પગલાં છે. શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુએ શત્રુંજય ગિરિરાજ પર ચાતુર્માસ કરેલા એની સ્મૃતિમાં અહીં સામસામી બન્ને દેરીઓ બનાવવામાં આવી હતી. એકદા નેમિનાથ ભગવાનના સમયમાં થયેલા નંદિષેણસૂરિ અહીં આવી ચૈત્યવંદન કરવા લાગ્યા. દેરીઓ સામસામે હોવાથી પૂંઠ પડવા લાગી એથી તેમણે અહીં ‘અજિતશાંતિ’ નામના મંત્રગર્ભિત સ્તવનની રચના કરી. આ સ્તવનના પ્રભાવથી બન્ને દેરીઓ પાસપાસે આવી ગઈ. આ નંદિષેણસૂરિ સાત હજાર મુનિઓ સાથે આ ર્તીથમાં અનશન કરી મોક્ષે ગયા છે. અહીં ‘નમો જિણાણં’ કહી ચૈત્યવંદન કરી લોકો આગળ વધે છે.

અહીંથી આગળ વધતાં ‘ચિલ્લણ તલાવડી’નું પવિત્ર સ્થળ આવે છે. શીતળ જળથી ભરપૂર એવી આ પવિત્ર જગ્યાને લોકો ચંદન તલાવડી તરીકે પણ ઓળખે છે. ઋષભદેવ પરમાત્માના શાસનમાં થયેલા ચિલ્લણ મુનિ સંઘ સાથે શત્રુંજય ગિરિરાજ પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા-જુદા રસ્તેથી ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા. સખત ગરમીને લીધે સંઘ અતિશય તૃષાતુર થઈ ગયો. ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિથી એક મોટું તળાવ પાણીથી છલકાવી દીધું અને સંઘના યાત્રિકોએ આ નર્મિળ પાણીથી પોતાની તૃષા શાંત કરી. ત્યારથી આ તલાવડીનું નામ ચિલ્લણ યાને ચંદન તલાવડી પ્રસિદ્ધ થયું. ચિલ્લણ મુનિએ અહીં ઇરિમાવહિયં કરી જીવોની વિરાધનાનું પાયશ્ચિત કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે પધાર્યા. અહીં ભરત ચક્રવર્તીએ ચિલ્લણ નામે સુંદર વિહાર બનાવ્યો હતો એ કાળાંતરે નષ્ટ થઈ ગયો છે. અહીં ભરત ચક્રવર્તીએ ભરાવેલી ૫૦૦ ધનુષ્યની રત્નમય પ્રતિમા સગર ચક્રવર્તીએ નજીકની ગુફામાં પધરાવી છે. અઠ્ઠમ તપથી પ્રસન્ન થયેલા કદર્પિ યક્ષ જેને આ પ્રતિમાનાં દર્શન કરાવે તે ત્રીજે ભવે મોક્ષે જાય છે. ‘શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ’ ગ્રંથમાં જણાવ્યા અનુસાર પાંચમા આરામાં નંદરાજાએ, વીરરાજાએ અને આચાર્ય દેવસુંદરસૂરિજીના શિષ્ય પંડિત દેવમંગલે અહીં અઠ્ઠમ તપ કર્યું ત્યારે કદર્પિ યક્ષે પ્રસન્ન થઈને તેમને આ અલૌકિક રત્ન-પ્રતિમાનાં દર્શન કરાવ્યાં હતાં. ચંદન તલાવડીની બાજુમાં સિદ્ધશિલા છે. આ ર્તીથમાં કાંકરે-કાંકરે અનંત આત્માઓ સિદ્ધ થયા છે એમ છતાં આ સિદ્ધશિલા પર બીજા સ્થાન કરતાં અધિક આત્માઓ સિદ્ધ થયા છે એથી આ શિલા સિદ્ધશિલા તરીકે સુપ્રસિદ્ધ છે. અહીં લોકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૧૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ કરે છે.

ચંદન તલાવડીથી આગળ વધતાં એક ઊંચો ડુંગર દૃષ્ટિગોચર થાય છે. આ ભાડવાનો ડુંગર છે. સૌથી કષ્ટદાયક રસ્તો હવે શરૂ થાય છે. ‘શત્રુંજય લઘુકલ્પ’માં જણાવ્યું છે કે ‘પુજ્જુન્ન સંબ-પમૂહા અદ્ધઠ્ઠાઓ કુમારકોડિઓ’ ભાડવા ડુંગર પર ફાગણ સુદ તેરસના દિવસે કૃષ્ણજીના પુત્રો શામ્બ અને પ્રદ્યુમ્ન સાડાઆઠ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા છે. તેમની સ્મૃતિમાં અહીં એક દેરીમાં આદીશ્વર ભગવાનનાં પગલાંની સાથે શામ્બ અને પ્રદ્યુમ્નનાં પગલાં પણ છે. એક દિવસે સાડાઆઠ કરોડ આત્માઓને મુક્તિ અપાવનાર ભાડવા ડુંગરને ભેટતાં અત્યંત ભાવવિભોર બની જવાય છે અને હૃદયમાં પ્રકટેલા અનેરા ઉલ્લાસથી કર્મની નર્જિરા પણ થાય છે. ફાગણ સુદ તેરસની છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાનું મૂળ અને મહિમા આ ભાડવો ડુંગર અને અહીં મોક્ષે ગયેલા પુણ્યાત્માઓ છે. અહીં લોકો ‘નમો સિદ્ધાણં’ કહીને અતિશય ભાવથી ચૈત્યવંદન વિધિ કરે છે.

ભાડવા ડુંગરથી વિદાય લેતાં હવે લોકો નીચે ઊતરે છે. નીચે તળેટી પર પહોંચતાં જ એક વિશાળ વડ નજરે પડે છે એને સિદ્ધવડ તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધશિલાની જેમ આ સિદ્ધવડના સ્થાને પણ અનેક આત્માઓ સિદ્ધગતિને પામ્યા છે. એથી આ સિદ્ધવડનું ભારે માહાત્મ્ય છે. અહીં એક મોટી દેરીમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં લોકો છેલ્લું ચૈત્યવંદન કરે છે, કારણ કે છ ગાઉ પ્રદક્ષિણાનો આ અંતિમ મુકામ છે. અહીં છ ગાઉની પ્રદક્ષિણાયાત્રાની પૂર્ણાહુતિ થાય છે.

Leave a Reply

You must be logged in to post a comment.

March 2019
M T W T F S S
« Aug    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Subscribe to Gyanprasar via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 190 other subscribers


Hit Counter by latest gadgets
%d bloggers like this: