Kalikund-Jinalay11ધોળકાસ્થિત કલિકુંડ તીર્થ જૈન ધર્મનું એક આગવું મહત્વ ધરાવતું તીર્થ છે. જે અમદાવાદથી ૪૦ કિ.મી. ના અંતરે ધોળકા પાસે આવ્યું છે. તીર્થની સુંદરતા, ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ મન મોહી લે તેવી છે.

કલિકુંડ તીર્થના ઇતિહાસ ઉપર નજર કરીએ તો ચંપાનગરીમાં ઠીંગુજી બાળક રહેતો હતો. ઠીંગુજીને જોઇને લોકો હસતા તેથી ઠીંગુજી આત્મહત્યા કરવાના વિચારે પર્વતની ટોચે પહોંચ્યા. ત્યાં તેમના કાને અવાજ સંભળાયો કે ‘આત્મહત્યા જેવું જગતમાં કોઇ પાપ નથી’ તેથી ઠીંગુજીએ અવાજની દિશામાં જોયું તો મુનિરાજનાં દર્શન થયાં. મુનિરાજના કહેવાથી સાધુ મહાત્માનું શરણ સદા માટે સ્વીકારી સાધુ બની ગયા. સાધુ થવા છતાં તેમને મનમાં કાયમ વામન કાયા ઉપર વિચાર આવતો કે વિરાટ શરીર મળ્યું હોત તો કેવું સારું થાત.

વિરાટ કાયા મળે તે વિચાર સાથે તેમનું મરણ થયું, તેથી બીજા જન્મમાં ચંપાનગરી બહાર કાદંબરી અટવીમાં વિરાટ કાયાવાળા હાથી તરીકે જન્મ થયો. આ સમયે ત્રેવીસમાં તીર્થપતિ ભગવાન પાર્શ્વનાથ કાદંબરી અટવીમાં પધાર્યા હતા. હાથીને પૂર્વભવનું જ્ઞાન થાય છે કે પાર્શ્વનાથ પ્રભુની સેવા કરું ને મારા જન્મને પવિત્ર બનાવું. હાથી આ રીતે વિચારી ‘કુંડ’ નામના સરોવરમાંથી પડિયામાં પાણી લાવી પ્રભુનો અભિષેક કરે છે. ખીલેલા કમળ ચઢાવે છે. હાથીની આ ભક્તિની વાત ચંપાનગરીના ખૂણે ખૂણે પ્રસરી ગઇ. દધિવાહન રાજાને પ્રભુ પધાર્યાની વાતથી આનંદ થાય છે અને બીજા દિવસે સવારે રાજા કાદંબરી અટવીમાં પહોંચે છે ત્યારે પ્રભુ પ્રભાત થતાં ત્યાંથી અન્ય વિહાર કરી ગયા હતા.

હાથી પરમાત્માની જમીન ઉપર પડેલી પાદુકા સામે નતમસ્તકે ઊભો રહે છે. દધિવાહન રાજાને પણ ઘણું દુ:ખ થાય છે. આમ પરમાત્મા પાર્શ્વનાથ ભગવાન કાઉસગ્ગ ઘ્યાનમાં ઊભા હતા એ જગ્યાએ વિશાળકાય જિનાલય બનાવી સુંદર પ્રતિમાની સ્થાપના કરે છે. કલિપર્વત અને કુંડ સરોવરની મઘ્યમાં આ જિનાલય બનાવ્યું હતું તેથી કલિકુંડ તીર્થના નામે વિખ્યાત થયું. હાથી આજીવન નિત્ય પરમાત્માની પૂજા કરતો રહ્યો.

ધોળકા શહેરના ભાલાપોળ વિસ્તારમાં આદિનાથ ભગવાનના જિનાલયના ભોંયરામાંથી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન, આદિનાથ તથા શીતલનાથ ભગવાનની તેમજ ભોયરામાંથી ચમત્કારિક શામળા પાર્શ્વનાથ ભગવાન તથા અજિતનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઇ છે.

૨૦૩૫ના વૈશાખ.સુદ.-૬ના દિવસે પૂજ્ય પં.શ્રી રાજેન્દ્રવિજય ગણી તથા પૂ.મુનિ શ્રી રાજશેખર વિ.મ.ની નિશ્ચામાં પ્રભુજીને ભાલાપોળમાંથી કલિકુંડ તીર્થમાં પધરાવવામાં આવેલા છે.

કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની લગભગ ત્રણ ફૂટ ઊચી સફેદ આરસમાંથી કંડારેલ કમનીય પ્રતિમા ભકતોની ભાવઠને ભાંગે તેવી છે. પાટણ, ધોળકા વગેરે અનેક જગ્યાએ કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન મૂર્તિ આવેલી છે. જેમાં સપ્રમાણ દેહ, નયનરમ્ય ચમત્કારિક મૂર્તિ તો માત્ર ધોળકામાં જ છે.

kalikund_minishatrunjayઆ તીર્થમાં મુખ્ય મંદિરની પાછળ ભવ્ય શત્રુંજય તીર્થની સ્થાપના મહા સુદ.૧૩ તા.૨૦-૨-૯૬ના રોજ થઇ. શત્રુંજય તીર્થનાં મુખ્ય સ્થાનોને આવરી લેતું અજબનું સ્થાન જેમાં તળેટીથી માંડી ઘેટી સુધીનાં સ્થાનોને આવરી લીધેલાં છે. આશરે ૪૦ વીઘામાં પથરાયેલ આ મંદિરમાં છ ધર્મશાળા, ચાર ઉપાશ્રયો, પાઠશાળા, ભાતાખાતું, ગૌશાળા, પાંજરાપોળ, ચોવીસ જિનાલયોનું ભવ્ય મંદિર તથા શત્રુંજય તીર્થ આવેલ છે.

ભોજનશાળામાં માણસો કોઇ પણ નાત-જાતના ભેદભાવ વગર જમે છે. રહેવાની સુંદર વ્યવસ્થા છે. કલિકુંડ મંદિરમાં મુખ્ય ઉત્સવમાં ફાગણ સુદ-૩ કલિકુંડ પાર્શ્વનાથ સ્થાપના દિન, મહા સુદ-૧૩ સ્થાપના શત્રુંજય તીર્થ, ફાગણ સુદ-૧૩ છ ગાઉની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભાવિક ભકતો જોડાય છે. વૈશાખ સુદ-૩ અખાત્રીજના પારણાં (વરસીતપ)કરાવામાં આવે છે.

 

કલિકુંડ તીર્થ ની વેબસાઈટ

Leave a Reply